ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લાના રાબડા ગામે, બારમાસી પાર નદીના પાવન તટે, લીલીછમ વનરાઈ અને મનોહર પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલું અદભુત, અલૌકિક અનુપમ માઁ વિશ્વંભરી તીર્થયાત્રા ધામ શ્રી મહાપાત્રના દિવ્ય માર્ગદર્શન હેઠળ માત્ર ૯૦ દિવસમાં આકાર પામ્યું છે!
આ ધામમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી પાઠશાળામાં માં વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દિવ્ય દર્શન એક અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે. અહીં હિમાલયમાં શિવ દર્શન, ગોકુલધામમાં શ્રીકૃષ્ણે ઊંચકેલા ગોવર્ધન પર્વત અને નંદબાબાની પવિત્ર કુટીર, વૈકુંઠધામમાં ગીર ગાયોની ગૌશાળા તેમજ પંચવટીમાં શ્રીરામ, સીતાજી અને લક્ષ્મણના વનવાસના જીવંત દ્રશ્યો અંતરમાં ભક્તિભાવ અને વૈદિક સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ જાગૃત કરે છે.
તદુપરાંત, વિશાળ પરિસરમાં સ્થાપિત પશુ, પંખી અને પ્રાણીઓની આબેહુબ પ્રતિમાઓ, ચારે તરફ અનુભવાતી અણીશુદ્ધ સ્વચ્છતા, પાર નદીનું શીતળ-નિર્મળ જળ તથા સતત વહેતો મીઠો પવન-આ બધું મળીને અહીં આવનાર પ્રત્યેક ભાવિકના હૃદયમાં અનન્ય શાંતિ, શીતળતા અને દિવ્યતાનો અવિસ્મરણીય અનુભવ કરાવે છે.
ધામના મુખ્ય ઉદ્દેશો
વિશ્વકલ્યાણ અને માનવ કલ્યાણના શુભ સંકલ્પથી શ્રી મહાપાત્ર દ્વારા સ્થાપિત આ પુનિત ધામ આજે જ્ઞાન, ભક્તિ અને કર્મના ત્રિવેણી સંગમ દ્વારા જગતમાં વૈચારિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે.
દિવ્ય સંદેશનું પ્રસારણ
"અંધશ્રદ્ધા છોડી ઘર તરફ પાછા વળો; ઘરને જ મંદિર બનાવો" – માં વિશ્વંભરીનો આ દિવ્ય સંદેશ સમગ્ર માનવજાત સુધી પહોંચાડવાનો અને લોકોને તેમના ઘરોને ઘરમંદિરમાં પરિવર્તિત કરવાનો ધામનો મુખ્ય ઉદ્દેશ છે.
અંધશ્રદ્ધા મુક્ત જીવનશૈલી
ઘરને મંદિર બનાવી શક્તિ આરાધનાનો માર્ગ બતાવવો અને માનવીને શારીરિક, માનસિક, અને આધ્યાત્મિક તકલીફોમાંથી મુક્ત બનાવવા ઉદેશ્ય છે.
દુઃખોમાંથી મુક્તિનો માર્ગ
આ ધામ મનુષ્ય માટે મોક્ષપ્રાપ્તિનું પાવન દ્વાર છે, જ્યાંથી આધ્યાત્મિક માર્ગદર્શન દ્વારા તે જન્મમૃત્યુના અનંત ચક્રમાંથી તેમજ જીવનના દુઃખોથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે.
સત્ય ધર્મ અને કર્મનો માર્ગ
આ ધામનો ઉદ્દેશ્ય છે કે માનવીને સત્ય-અસત્ય અને ધર્મ-અધર્મનો ભેદ સમજાવી, તેને સત્ય, ધર્મ અને સત્કર્મોની દિશામાં પ્રેરિત કરીને સત્યનિષ્ઠ બનાવવા.
ભેદભાવ રહિત ધર્મ
આ ધામનો ઉદ્દેશ્ય એ છે કે કોઈ જાત-પાત, ઊંચ-નીચ, અમીર-ગરીબ કે સ્ત્રી-પુરુષના ભેદભાવ વિના સમસ્ત માનવજાત માટે સનાતન વૈદિક ધર્મ ઉજાગર કરવો.
સનાતન સંસ્કૃતિનું જતન
આ ધામનો ઉદેશ્ય એ છે કે માનવીને સનાતન વૈદિક સંકૃતિને અનુરૂપ જીવન જીવવાની પ્રેરણા આપી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવી.
જીવન જીવવાની કળા
આ ધામનો ઉદ્દેશ્ય એ છે કે તે માનવીને સંઘર્ષમય પરિસ્થિતિઓમાંથી પસાર થવાની સાથે સાથે આનંદમય, શાંતિમય અને સંતુલિત જીવન જીવવાની સાચી કળા શીખવે.
સાત્વિક આત્માઓનું અવતરણ
આ ધામનો મુખ્ય ઉદ્દેશ્ય છે એ કે સમગ્ર વિશ્વમાં પવિત્ર અને સાત્વિક ઘરમંદિરનું નિર્માણ થાય કે જ્યાં કર્મનિષ્ઠ અને સંસ્કારી માતા-પિતાને ત્યાં ઉચ્ચ કોટીની આત્માઓના અવતરણ થાય.
વૈશ્વિક સમસ્યાઓનો ઉકેલ
આ ધામ માનવીને ફરજનિષ્ઠ અને મૂલ્યપ્રધાન બનાવી, ઘરથી શરૂ કરીને વૈશ્વિક સમસ્યાઓ સુધી સકારાત્મક ઉકેલ લાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે.
આદર્શ વ્યવસ્થાઓનું પુનઃસ્થાપન
શ્રીરામ અને શ્રીકૃષ્ણ દ્વારા ચરિતાર્થ થયેલી આદર્શ કુટુંબ અને સમાજની વ્યવસ્થાઓને આજના યુગમાં ફરી પ્રસ્થાપિત કરવો ધામનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
આદર્શ વ્યક્તિત્વ નિર્માણ
ઘરમંદિરના માધ્યમથી બાળકોમાં ઊંડા નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન કરીને આદર્શવ્યક્તિત્વ ઘડવાનો આ ધામનો ઉદ્દેશ્ય છે.
ઉત્તમ જીવનશૈલી
પ્રકૃતિ અને કર્મના સિદ્ધાંતોનું પાલન શીખવતું આ ધામ વ્યક્તિને શાંતિમય, આનંદમય અને ધર્મમય જીવનશૈલી તરફ દોરી જાય છે.
ગરીબીમાંથી મુક્તિ
આ ધામ મનુષ્યને કર્મના સિધ્ધાંતનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા શીખવીને જન્મોજનમ ગરીબી અને દરિદ્રતામાંથી મુક્ત થવાનો માર્ગ દર્શાવે છે.
સત્યની સંઘનિષ્ઠા
આ ધામનો ઉદેશ્ય એ છે કે ઘર મંદિરના માધ્યમથી લોકોના જીવનમાં વૈદિક ક્રાંતિકારી વિચારધારાનો સંચાર કરી સત્યની સંઘનિષ્ઠા ઉભી કરવી.